અંદરથી એ ટુકડામાં, વેંહચાઈ ગયેલો માણસ છે,
લાખોની આ વસ્તીમાં, અટવાઈ ગયેલો માણસ છે.
ના પકડો, ના તોડો, એને ના કોઈ અથડાવો,
લોકોની આ ઠોકરથી, પટકાઈ ગયેલો માણસ છે.
રડવામાં એ હસશે, ને હસતા હસતા રડશે,
એ સમજુ છે ગાંડામાં, પંકાઈ ગયેલો માણસ છે.
એ ખપશે નાસમજોમાં, આ સમજુઓ ના મોઢેથી,
મૌન રહીને કચરામાં, ફેંકાઈ ગયેલો માણસ છે.
ના નસમાં એ લોહી છે, ને ના આંખોમાં આંસુ,
દુનિયાની નાદારીથી, ટેવાઈ ગયેલો માણસ છે.
શું રેહશે કિંમત એની, આ સ્વર્ણ મઢેલી દુનિયામાં??
છોડી દો બેહાલ છે એ, ખોવાઈ ગયેલો માણસ છે.
- 'સત્ય' શિવમ