Sunday 3 March 2013

ગરીબી...........


       ગરીબી...........




ફાટેલી સાડીના ફાટેલાં છેડાંમાં વિસ્મયથી કેવી લપેટાઈ ગરીબી,
કડકડતી ઠંડીની થરથરતી રાતે ટુંટીયું વાળીને સમેટાઈ ગરીબી.

ફૂટપાથનાં નાનકડાં ટુકડા પર લોકોને, ઠોકર થઇ વચમાં અટવાઈ ગરીબી,
ભૂખમરાને રોગોનો શિકાર થઇ આમ જ મરશીયે રોજ ગવાઈ ગરીબી.

મંદિરનાં દ્વારે ને મઝ્જીદનાં દ્વારે, હાથ ફેલાવી માંગતી દેખાઈ ગરીબી,
મોઘવારીને જરૂરિયાતની ચક્કીમાં, ભારોભાર વચ્ચે પીસાઈ ગરીબી.

દિવસનાં પ્રકાશે અંધારા અજવાસે આંખ થઇ એમજ મિંચાઈ ગરીબી,
બેકારીનાં મારથી ચોરીનાં નામે અમીરોમાં કેવી વગોવાઇ ગરીબી.

કાળી બજારીમાં શોષણ થઇ રાત'દી, શેઠોનાં તળિયે ચુંથાઈ ગરીબી,
સમયનાં ચક્કરમાં દુનિયાનાં અક્કરમાં અસ્વસ્થ થઇ એવી ગુંચાઈ ગરીબી.

અમીરોની મોજોમાં લોકોનાં શોખોમાં લજ્જત થઇ કેવી લુંટાઈ ગરીબી,
બે ટાણે ખાવા ને તનને છુપાવા, સરે આમ એમ જ વેચાઈ ગરીબી .

જુગારીનાં સટ્ટામાં દારૂનાં અડ્ડામાં, મેહમાન થઇ કેવી નોતરાઈ ગરીબી,
દુનિયાની લાતોથી બેકારની માંતોથી માંટીમાં કેવી પટકાઈ ગરીબી.

વિકસિત દુનિયાનાં વિકાસશીલ પન્ના પર, ધબ્બો થઇ નકશે ટંકાઇ ગરીબી,
વિકાસનાં નામે સમયની એરણ પર 'સત્ય' થઇ રોજ કપાઈ ગરીબી.

                                                                                 - 'સત્ય' શિવમ  


No comments:

Post a Comment