Sunday 7 July 2013

અકબંધ ચોમાસું
















એ આભ કેટલો પ્રેમ કરતુ હશે ધરતીને,
તપતી ધરાને જોતાં જ રડી પડે છે!
અને
ધરતી પણ જાણે એ આંસુઓનું આચમન કરતા જ,
સોળે શણગાર સજી ઉઠે છે!

કંઈક તો હશે આ આભ અને ધરતીનાં પ્રેમમાં,
ક્યારેય એક-મેકને મળતાં નથી.
છતાં,
એ સ્પર્શ અને સંસર્ગ વિહોણા પ્રેમમાં પણ,
એટલો જ નશો છે!

જાણે,
આભ વરસીને ધરતીને આશ્વાસન આપતું હોય,
એની હાજરીનું!
સાબિતી આપતું હોય તેનાં અનહદ અપાર પ્રેમની!
અને
જાણે પ્રમાણ આપતું હોય એનાં પ્રેમ માટે કઈ પણ કરી છૂટવાની,
ક્ષમતા  અને ત્યાગનું!

અને વળી ધરતી પણ જાણે ઉત્તરમાં,
સોળે શણગાર સજતી હોય!
જાણે પલળતાંની સાથે જ ખીલી ગઈ હોય એમ,
આભનાં પ્રસ્તાવની સ્વીકૃતિ કરે છે!
અને અંગ અંગથી મેહ્કી ઉઠે છે!

કંઈક તો જાદુ હશે આ ઋતુમાં!
એ ધરતીને આભનાં પ્રેમનાં નશાથી,
તું અને હું પણ ક્યાં બચી શક્યા હતા??

એ પેલું વરસતાં આભમાં હાથ ખોલીને પલળવાનું,
જાણે,
નશામાં તરબતર!

ચેહરા પરથી સરકતી એ બુંદોને પીવાની,
એક-મેકની આંખોમાં આંખ નાખી,
એ પ્રેમનાં નિર્ભય, અચલ, નિરધારનો એકરાર કરવાની!

એકમેકનું નિસ્વાર્થ સમર્પણ!
અને પ્રેમની હુંફને વગર શબ્દોએ,
બસ આંખો-આંખોમાં સ્વીકારી લેવાની,
એ અનુભૂતિ ક્યાંથી ભૂલાય?    

અને અચાનક જ જાણે,
એ બે પ્રેમી છૂટાં પડી જતાં હોય!
એમ એ ચોમાસું ઓસરી ગયું!

અને,
આવ્યો એ જ લાંબો વિરહ,
એ જ પાનખર, એજ ધગધગતો ઉકળાટ!
અને
એ જ લાંબી રાહ!

જાણે ધરતી એકીટશે,
આભ તરફ નજર માંડી બેસી રહી હોય।
એના પ્રિયતમની રાહમાં!

ત્યાજ ફરી આવી ચડે,
એ જ મન મૂકીને વરસતુ આભ!
અને ફરી એ ધારા ખીલી ઉઠે!

પણ લાગે છે કે,
મારા વિરહમાં રાહ કંઈક વધુ જ લખી છે!

એ ચોમાસું ઓસર્યું એ પછી,
ઘણા ચોમાસાં આવીને ચાલ્યાં ગયા!
કેટલી'ય વાર એ આભ અને ધરતીનાં પ્રેમનો હું સાક્ષી બન્યો!

પણ,
એ નશાને હું માંણી ના શક્યો!            
પણ તું'ય ,
મારા હૃદયની સુકી ધરાને,
ક્યાં સુધી જોતી રહીશ?

હું જાણું છું કે આપણું ફરી મિલન થશે!
અને ફરી એકવાર એ જ વરસતાં આભમાં,
હાથ ફેલાવી આપણે પલળશું!
ત્યાં સુધી હું સાચવી રાખીશ,
તારું અને મારું એ જ 'અકબંધ ચોમાસું'.

                               - 'સત્ય' શિવમ    

No comments:

Post a Comment